ઝાકળ

કાતિલ રાત

ખબર નહીં કેમ, પણ માળું હારું , ઘણી વાર લાગે કે પ્રેમ કિસ્મતમાં જ નથી.

જો તમને એવું હોય કે આ બધું કિસ્મત જેવું ના હોય કઈં, તો સાંભળી લો. જે લોકોને બધું સામે ચાલી મળી ગયું છે ને એ લોકોને લાગે કે આ બધું કિસ્મત જેવું કાંઈ ના હોય, કિસ્મત તો જાતે બનાવાની હોય. જ્યારે સવાલ થાય ને કે આખી દુનિયા ને આમ, ને આપણે જ સાવ આવી જિંદગી જીવવાની, કિસ્મત વિના કોઈ આ સવાલનો જવાબ આપી શકાય એમ જ નથી. એમાં માનવું જ પડે સાહેબ. આંખોં ઉઘાડી ત્યારથી બાપાને જોયા હોય એવું યાદ નથી. જ્યારથી સમજણ આવી એવું લાગ્યું ને પૂછ્યું મમ્મી ને ત્યારથી મમ્મી એ સ્પષ્ટ રીતે ફરમાવી દીધેલું કે ઘરમાં બાપા કે એમના પરિવાર વિષે કોઈ વાત થશે નહીં.

એ દિવસે બસ નિશાળે થી ચાલતો ચાલતો ઘરે આવ્યો તો ટોળું વળ્યું’તું ઘરની આગળ, મનમાં કઇંક ખરાબ થવાની શંકા તો હતી પણ સામે એક પ્રાર્થના પણ ખરી, કદાચ બાપા આવ્યા હોય તો ઘરે. આજે વિચારું તો થાય, કે બાપા કાંઈ પ્રધાનમંત્રી તો હતા નહીં કે ટોળાં વળે, પણ હવે દસ વરસથી જેનાં વિષે સવાલો મગજમાં ચાલતાં હોય, એનો જવાબ મળવાની ઈચ્છા છોકરાંને હોય એ કંઈ અસ્વાભાવિક તો ના જ કહેવાય.

પણ, તમે વિચારો છો એ જ થયેલું. અને આમ તો ભીડ જોતાં ત્રણસો ફૂટ દૂરથી પગ પણ ધ્રુજવા જ માંડેલાં, મગજ તો સમજી જ ગયેલું, પણ મારું બેટું હૃદય આશાવાદી ખરું ને. વર્ષો પછી એ ઘરમાં બાપા વિષે જ વાતો થયી હતી,  સાટું વાળી નાખેલું લોકોએ. દસ-બાર વરસનાં અનાથ છોકરાંનું શું કરવું કંઈક અઘરો પ્રશ્ન નહીં, પણ બે-ત્રણ વડીલો અનાથશ્રમ માં નાખી આવવાનાં મતમાં નહોતા. એમાંના એક એટલે રમેશ મામા, આમ મા-બાપનાં કોઈ સગા વહાલા નો કોઈ પતો નથી, પણ માં ગામમાં એકલી અટૂલી બાઈ, એટલે કહેણો ભાઈ કરેલો. અમે એમને ત્યાં ગયા હોય એવી કોઈ યાદ નથી, વર્ષે દહાડે, દિવાળી જેવા પ્રસંગે આવે એ કોઈ મીઠાઈ લઇ આવે.

છેવટે નક્કી એમ થયી ગયું, કે હું રમેશમામા ની જવાબદારી, અને સાટામાં અમારું  મકાન (જો એને મકાન કહી શકાય તો) એમનું. પછી શું હતું, જેમ પશુઓની લેવડદેવડમાં કોઈ એમને તો પૂછે નહિ, બસ થોડો ચારો નાંખી, એમનું સ્થળાંતર થયી જાય તેમ, મને પૂછ્યા વગર જ મારું ભવિષ્ય નક્કી થયી ગયું, હાથમાં એકાદ ચોકલેટ પકડાવી હોવાનું આછુંપાતળું યાદ છે.

મામાનું મકાન એટલે, ચાર દિવાલો નહિ, પણ ખરેખર મકાન. એક સમય માટે હું ખુશ પણ થયેલો કે મારા નસીબમાં  પણ સારા ઘરમાં રહેવાનું આવ્યું ખરું. ત્યાં મામીએ મારો સામાન લઇ ને  ઘર ને અડીને બનાવેલી ચાર દીવાલોની ઓરડીમાં મૂકી કહ્યું ,
“અહીં રહેવાનું તારે, કંઈ પણ અગવડ હોય તો વિના સંકોચે કહેજે. ભાણા ટાણે બોલાવું એટલે આવી જજે, હોં .”
અને પત્તાનો મહેલ જેમ વિખેરાય એમ, બધા સપનાંઓ વિખેરાઇ ગયા. મામીના વચનો કંઈક જુદા, પણ મામીને જોઈને લાગે કે મારી એમની જોડે રહેવાની આ વાત ગમી નહિ હોય એમને, પણ મકાનનાં નામે એમણે હોંકારો દઈ દીધો હશે.

ઝાકળ

એ દિવસનું પહેલું ભાણું કઈ રીતે ભૂલી શકું? સવારથી કકડીને ભૂખ લાગી હતી, જીવનમાં શું થયી રહોતું એ સમજની બહાર હતું, અને મમ્મીની યાદ આવતી હતી, ખૂબ જ. અને ત્યાં તો એક નાનકડી પરી આવી હતી સુંવાળા રેશમનાં ફ્રોકમાં થાળી પીરસવા. 
“ઝાકળ, જલ્દી પાછી આવ થાળી પીરસીને. રોટલી લઇ જા પપ્પા માટે.”
ઝાકળ. આખી રાત કાતિલ ઠંડીમાં ઠઠવાયા હોય એ પાંદડાઓની માત્ર એક બૂંદથી તરસ છિપાવે એ ઝાકળ. સૂકા પડી ગયેલા પાંદડાને સૂરજનાં કિરણમાત્રથી ચમકાવી ઉઠે એ ઝાકળ.

એ નિશાળે જતી નહીં, પણ જ્યારે પણ દેખાય તો દુનિયાનું સૌથી સુંદર સ્મિત પાથરે. મામીને એનુંમારી જોડે રમવું કઈં ખાસ ગમતું નહીં. કોઈક વાર મામી બહાર ગયા હોય તો ઓરડે આવે ને બેસે. એને એ વાતનું અચરજ કે, માં વગર કોઈ કઈ રીતે રહી શકે. મને પણ આશ્ચર્ય જ હતું સાચે કહું તો. પણ, હું આમ કહેતો નહિ. એ થોડાક વર્ષોમાં મળેલા જે થોડા ઘણા સમયમાં, એ મારા વિષે બધું જાણી ગયેલી, મારી મમ્મી વિષે એનાથી પણ વધારે. હું પણ જાણી ગયેલો એને, ખાસું એવું,પણ જેટલું એણે કીધેલું એટલું જ.

ઘણી વખત એ આવે ને જાણે કે હું દુઃખી છું તો ખોળો પાથરી બેસી જાય, ને મારું માથું એના ખોળામાં મુકાવી ને કપાળ પર હાથ ફેરવે. હું કદી સમજી નહિ શકેલો કે એમાં એને શું આનંદ આવતો હશે. કોક દી લઘર-વઘર જુએ તો વઢે પણ ખરી, મારી બકવાસ વાતો પર પોતાની હાસ્યની પૂંજી છૂટથી વાપરે. અને નિશાળની વાતો કરું ત્યારે તો એ મારાં દ્વારા ભણતી હોય એવી ચમક દેખાઈ જાય એની માંજરી આંખોમાં.  દુનિયામાં એના સિવાય મારા અસ્તિત્વથી કોઈને ઝાઝો ફરક પડતો હોય એવું  યાદ નથી. 
ઘણી વાર એનું ઓરડે આવવાનું શક્ય ના બને, તો હું નિશાળે હોઉં ત્યારે ચૂપકીદીથી આવી ને મારા કબાટમાં, મમ્મીની સોપારી વાળા ખાલી ડબામાં એકાદ પીપેરમીંટ મૂકતી જાય, એવી જ રીતે જેમ મમ્મી મૂકી જતી હતી જ્યારે એને ઘરે આવતા મોડું થવાનું હોય.

માંજરી આંખોં સિવાય આ પણ એક કારણ હતું કે મારું એને બિલાડી બોલાવવાનું.  બાકી પણ ઘણી યાદો ને વાતો છે, એટલી બધી કે લખું તો ચોપડીઓ લખાય.

પણ કીધું હતું ને, મારી કિસ્મતમાં પ્રેમ હંમેશાં સૂરજ ને ચાંદ જેવો જ રહ્યો છે, દિવસ નો સૌથી સુંદર સમય, પણ એ વીતી જાય એટલે સૂરજ એના રસ્તે, ને ચાંદ એના રસ્તે. બસ એ સાંજ ઢળવા આવી હતી મારી. કોઈ દી ઝાકળને ઓરડીએ આવતાં કે જતાં કોઈએ જોઈ હશે. ને મામીને કહ્યું હશે કે ધ્યાન રાખજો બાકી, મોઢું કાળું કરાવશે પેલો પાપના પેટનો. અને એ દિવસે રામાયણ થયી હતી ઘણી મોટી, મકાન બાજુમાં હતું ને, અવાજ સંભળાય થોડું ધ્યાનથી સાંભળો તો. 

બીજા દિવસે હું નિશાળે જવા નીકળતો હતો ત્યાં મામીએ બૂમ પાડી, ‘રહેવા દો હવે, ભણી લીધું બધું જે ભણવાનું હતું એ બધું, હવે કામે લાગી જાઓ.’, એમાં કટાક્ષ ભરપૂર હતો ને છુપાવવાની કોશિશ પણ કરેલી નહી મામીએ.
જાતે જ ઝાકળ સામે દ્રષ્ટિ ગઈ, ઉભી તી એ અગાશીએ. કંઈ પણ બોલ્યા વિના જતી રહી અંદર, આંખો લાલ હતી એની, લાગ્યું ઝાકળ ધોધમાર વર્ષી હશે ગઈ રાતે. 

એ બપોરે કાળુંકાકા આવ્યા, ને મને જણાવવામાં આવ્યું કે હવે એમને ત્યાં જ રહેવાનું છે હવે મારે. કાળુંકાકા એટલે ગામના રખેવાળ. રાતે કોઈ નિશાચરો કે ચોર ના આવે એનું ધ્યાન રાખે. ચોરો ને પશુઓને ભગાડતાં હતાં કે એમને જોઈને જાતે ભાગી જતા હશે બધા એ સવાલ થાય એમને જુઓ તો. કઇંક તો હુનર હતું કાકામાં. પણ હું બિચારા કાકાને કોઈ દોષ નહિ દઉં, ત્યાંથી ભાગી જવાનો નિર્ણય મારો હતો. હવે રહેવાનું કંઈ કારણ નહોતું આ ગામમાં. ઝાકળ કંઈ દિવસ ભર પાંદડા પર થોડી રહે! કાં તો એક થઈ જાય પાંદડામાં, કાં તો ઉડી જાય. એમાંથી ગમતો વિકલ્પ શક્ય ના હોય પાંદડાને, તો પાંદડાંએ પોતે રસ્તો કરી લેવો જોઇએ.

પરોઢ

બાર વરસ ઉપર થઈ ગયું. આજે ના છૂટકે આવવું પડ્યું, કામનાં પ્રસંગે, નહીંતર છેલ્લા ચારેક વરસથી આવવાનું થતું હતું પણ હું ટાળતો રહ્યો હતો. ગામ ખાસ બદલાયું નથી, બસ મોંઢા બદલાય છે. ગામનાં પાદરે કાળુંકાકા નથી બેઠાં, કોઈ જુવાનિયો છે. હું જ હોત કદાચ, જો ભાગી ના નીકળ્યો હોત તો. હજીય કોઈ પંચાત સમિતિ કોઈકનાં ઘર ભાંગવા પાટલે ભેગી મળી છે. ઘરડાંઓ તાપે શેકાવાં બેઠા છે ખાટલા પાથરી ને.

મામાનું ઘર બંધ છે, પણ પેલા નાનકડાં રૂમનું તાળું હજુ પણ તૂટેલું જ છે. ત્યાં જોઈને જોવું તો હજી બધું એમનું એમ જ છે. પેલા રમકડાંઓ, સુકાયી ગયેલાં ફૂલની પાંખડીઓ, અને પેલું લાકડાનું ખોખું. ખોખું ખોલી ને જોયું તો આખું ખોખું ભરેલું, પીપેરમીટના કાગળિયાઓથી. અને એક નાનકડો કાગળ પણ હતો, લખતાં ન આવડતું હોય એવા કોઈએ લખ્યો હોય ને એવો ભાંગ્યા તૂટ્યા અક્ષરોમાં લખાયેલો.

“ખાતો કેમ નથી, દાંત પડી જવાની બીકે?”

જમણી આંખમાંથી સરકી ને કાગળિયાં પર બેસી ગયેલું એ બુંદ ઝાકળ બની મને એકિટશે જોતું રહ્યું.


Posted

in

,

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.