બસ એમ જ

હીરાની ખોજમાં નીકળી શોધી મોતીને લાવું છું
ન લેવાના હતા તે બધાય રસ્તા ગોતીને લાવું છું
કાબરચીતરું ને તોય બેરંગ, સમજાશે નહિ તમને
અનુભવના તાંતણા બધા જીવનના જોતીને લાવું છું

January 25, 2023

દોસ્તીમાં લેણ દેણ નો નિયમ, ન થોડું કશું ન ઘણું
ચોપડી રાખે સંબંધોની, તેને ભલા દોસ્ત ક્યાંથી ગણું
જિંદગી ઉજાળવાની કિંમત બોલ ક્યાંથી લગાવશું
ધરતી કયા મોઢે સૂરજને કહે ચલ હિસાબ ચૂકતે કરું

January 23, 2023

બે વૃક્ષોના ઘર્ષણથી લાગેલી આગ સોચે મારાથી જ મુજને છે ઘાવ
ઈંધણ થઇ રાખ થવા રાજી ભલે બંને, પણ દિલમાં રહી જાશે અકળાવ
આગ પણ બિચારી, શોધે ટાઢક એ ત્રણેયની…
લાકડી સળગશે, પાણી બુઝાડી દે ને આગ દેશે બધુંય સળગાવ

January 3, 2023

ખાલીપા વિના વિશાળતા ક્યાંથી જડે
આભ થોડી ભરાય, વાદળાં વરસી પડે

December 9, 2022

મારા બધાય અરમાનોનો અંજામ કરુણ નીકળ્યો
કર્યો હિસાબ તો સંબંધોનો સરવાળો ઋણ નીકળ્યો

December 6, 2022

પાણી થઈ પાંદડાના મોહમાં પડતી ઝાકળ,
પાન પર છતાં, પાનમાં ન ભળતી ઝાકળ,
શોભે છતાંય ધીરે ધીરે લસરતી ઝાકળ,
જે માટીની હતી, એ માટીની થતી ઝાકળ.

July 28, 2022

ખાલી હતું જે છે છલોછલ હવે ગમગીનીમાં
જગ્યા નથી કહી દો, કોઈ બીજા ના આવે,
યાદો ને પણ કહી દો વિના વિઝા ના આવે.

Jul 9, 2022

ખખડાવી છે ઘણી, છતાં આવે, ને ભાગી જાય,
યાદો, છોકરમતમાં વગાડાતી પેલી ઘંટડી ની જેમ.

Jul 9, 2022

હંમેશા ભાગતા ને ફરતા એ વાદળને, કોઈ પૂછો તો દાવ કોણ લે છે?
દુઃખમાં ડૂબી ને બસ વરસી જવાનું, આ સૂરજનો તાપ કેમ સહે છે?

Aug 18, 2021

લાગણીઓ લાગ જોઈ લાગે ખરી કે?
વાદળને વાદળીઓ કદી વાગે ખરી કે?
મંડુક હું કૂપનો ને બોલવું હંસલાને,
સપનાની બૂમથી કોઈ જાગે ખરી કે?

Apr 7, 2021

પરિણામ સિવાયેય ઘણાં પરિમાણ હોય છે,
મંઝિલને જ નહિ, રસ્તાનેય અભિમાન હોય છે.

Feb 8, 2021

વાદળ કે પછી?

પરિસ્થિતિઓથી હડસેલાતો આવ્યો છું જિંદગીભર,
થાકી ને તૂટી પડું, વરસી પડું, કંઈ મારો વાંક છે?

Jan 22, 2021

જેટલું રોક્યું છે મેં જીવન તુજમાં, તેટલું જ પાછું માંગું છું,
લાગે છે કે શૂન્યાવકાશમાં સાદ પાડી પડઘાની ઉમ્મીદ રાખું છું.

Jan 20, 2021

હવે ભીંતો ય કરતી નથી વાતો મારી સાથે,
નક્કી તડકા વિશે કંઇક બોલાઈ જવાયું હશે.

Jan 2, 2021

સુખ-દુઃખ પૈડા છે સમજતાં માથે ટાલ આવી ગઈ.
સાઇકલ તો ઠીક ન થઈ, આંગળી ઉલટાની આવી ગઈ.

Dec 30, 2020

વિખૂટા ને આંખો ખૂલી ઘોડિયામાં,
ખોળું ન જાણે કેટલાય ખોળિયામાં,
મિલન ફરીથી ઘોડિયામાં.

Nov 14, 2020

આ બધું પળવારમાં વહી જશે,
જીવન બસ છે એક પાંદડું સમય ના સાગરમાં,
કોઈ ભાગ કદાચ જાળીદાર રહી જશે.

Jun 2, 2020

વર્ષોથી સંગ્રહેલી અપેક્ષાઓની મૂડી લઈ ના નીકળતા,
આજ કાલ તેના બદલે ફક્ત શબ્દોનો સહારો મળે છે.

Mar 8, 2020

વાતોના વાદળ તો વિખરાઈ જાશે,
માટીની મહેક પણ ગૂંગળાઈ જાશે,
ખર્ચાશે લાગણીઓના કોઠાર પણ,
રહેશે તો ચુપકીદીઓનું ભેંકાર રણ.

Sep 21, 2019

એ દિવસે બે નદીઓ વહી હતી, વાદળ ગરજ્યા’તા અને તમે પણ.

Feb 23, 2019

વિશ્વ_માતૃભાષા_દિન

આપવાની ઓકાત નથી, ફરી વાર લઈને જઈશ.
હું last breath નહીં લઉં, છેલ્લો શ્વાસ લઈશ.

Feb 22, 2019

કોણ કહે છે તકલીફ પડવામાં છે હું કહું છું કે તકલીફ રહેવામાં છે,
કે બીમાર પડવું એ તકલીફ નથી બીમાર રહેવું એ મોટી તકલીફ છે.

Jan 22, 2019

લૂંટાઈ જવાની જાણ, છતાં હૂં દઈ ગયો.
પાણી તો રહ્યું નહીં પણ કૂવો રહી ગયો.

Jan 19, 2019

ગુરુ એટલે…

જે વારમાં બુધની પાછળ રહે,
ગ્રહોમાં મંગળની પાછળ રહે,
પણ જીવનમાં શિષ્યની પાછળ રહી
વારંવાર ગ્રહોથી બચતા શીખવાડતો રહે.

Jul 3, 2018

જીંદગીના જવાબો માટેની આંધળી દોટ પછી,
જાણ્યું કે મૃગજળ જેવી કોઈક ચીજ હોય છે.

Jul 2, 2018