શું તને કદી થાક લાગતો નથી? કે યુગોથી બસ દોડ્યા જ કરે છે.
ચાલ હવે એમાંથી થોડોક વિરામ લે, મારા થોડા પ્રશ્નોના જવાબ દે.
પહેલો સવાલ એ કે, તું ખરેખર છે શું?
શું તું ખરેખર કોઈ એક પરિમાણ છે?
કે પછી ફક્ત, વિશ્વમાં થતા બદલાવનું પરિણામ છે?
બીજો એ કે, એવું કેમ છે કે મોટા ભાગની ચીજો તારી સાપેક્ષે હોય છે,
પણ તું કેમ કોઈની સાપેક્ષે કેમ નહી?
જો કે તું પોતે જ સાપેક્ષવાદના સિદ્ધાંત ને અનુસરે છે.
ત્રીજો એ કે, તું કયું ઈંધણ વાપરે છે?
જે પણ ઈંધણ તું વાપરે છે એ પુન:પ્રાપ્ય જ હોવું જોઈએ,
કેમ કે તું તો ક્યારેય પણ અટકતો જ નથી.
અને હા તું ક્યાં પ્રકારની ગતિ કરે છે?
અચળવેગી ગતિ? ના એ શક્ય નથી,
કારણ કે તારો વેગ તો દરેક માટે જુદો છે.
ઘડિયાળના કાંટા જેવી વર્તુળાકાર ? ના એ પણ શક્ય નથી,
કેમ કે જો એવું હોય તો તું થોડા અંતરાલ પછી પાછો આવવો જોઈએ.,
પણ કહેવાય છે કે એક વાર ગયા પછી તું કદી પાછો આવતો નથી.
એવું નથી કે મારી પાસે પ્રશ્નો ખૂટી ગયા છે.
પ્રશ્નો તો ઘણા છે પણ પછી ક્યારેક પૂછીશ,
આમ પણ તું તો અનાદિ અને અનંત છે.
‘સમય’, મારો છેલ્લો પ્રશ્ન એ છે, કે તું ખુદ ‘સમય’ હોવા છતાં,
આટલા પ્રશ્નોના જવાબ આપવા માટેનો ‘સમય’ પણ તારી પાસે નથી?
Leave a Reply