આશ્રયની નથી જરૂર, બસ તારો સાથ માંગું છું,
વકી છે રાત હશે અંધારી, બસ થોડો ચાંદ માંગું છું.
ડગલે પગલે અનુભવું અટ્ટહાસ્ય સમસ્યાઓ પર,
જાણે ખાબોચિયું તરવા હું તુજથી નાવ માંગું છું.
વલખતો હતો જે એકાંત માટે હું જિંદગીભર,
આપ્યો તેં એટલો, હવે થોડો ઘોંઘાટ માંગું છું.
મૂર્ખતા હતી મારી, ભવિષ્યની સમજણ લઈ બેઠો,
ઈશ્વર હવે તુજ પર બસ આંધળો વિશ્વાસ માંગું છું.
આયખું ફરી આ કાઢવાની હિમ્મત નથી ‘હસિત’,
લઈ શકું જે નિરાંતથી, બે ઊંડા શ્વાસ માંગું છું.
Leave a Reply