“લાઈટ ચાલુ રાખીને ક્યાં જતો રહ્યો? નથી દોડાતું હવે. સાઈઠ થશે હવે થોડા વરસ માં”
“હા હવે, તો કોણ કહે છે દોડવાનું… કરી દઉં છું… બસ બે મિનિટ માટે ચાર્જર લેવા ગયો હતો. પણ દરેક સેકન્ડ વસૂલ કરવાની હોય ને આપણે. અને એટલું બધું બિલ ના આવે કઈ લાઈટનું.”
“હા … હવે ઘરમાં બધા કમાનારા છે, વાપરો પછી. લાઈટો ચાલુ જ રાખીએ ચોવીસ કલાક તો કેવું રહે?”
“ટૉન્ટ નઈ માર.. એમ નથી કહેતો. આ બંધ કરી… લે. બંધ લાઈટમાં મોબાઈલ કરો તો ય પ્રોબ્લેમ, ને લાઈટ ચાલુ રાખો તો ય પ્રોબ્લેમ. અને… વાત એમ જ હોય.. તો કાલે નાતાલ હતી ને આપણા ઘરનાં સાન્તા સવાર સવારમાં ગીફ્ટો લઇ આવ્યા હતા એમાંની કઈ વસ્તુની જરૂર હતી ઘરમાં? ખબર નહિ કઈ દુકાને થી લાવ્યા હશે રજાના દિવસે. દુકાનમાં આમ પણ મોંઘી જ હશે ને પાછું દર વખતની જેમ છેતરાઈને જ આવ્યા હશે, એટલે જ તો ભાવ કહેતા નથી. અને લાવવી જ હતી તો મને કીધું હોત તો ઓનલાઇન સસ્તામાં મળી જાત.”
અધૂરામાં પૂરું .. દીવાસળી ચાંપતા ઉમેર્યું, “હવે વરનું નામ આવ્યું એટલે કંઈ નહિ બોલે. આપણે તો ખાળે ડૂચા ને દરવાજા મોકળા છે”.
“તને યાદ છે, નાનપણમાં રાત પડે ને જમવાનો સમય થાય એટલે લેસન પતાવી તું નીચે આવી જતો ને, કોઈ પણ સ્કુટરનો અવાજ આવે તો બહાર દોડી જોઈ આવતો કે પપ્પા તો નથી આવ્યા. અને આવે એટલે દોડી ને એમની બેગ લઇ આવતો ને ઉંધી કરી નાખતો.”
“હવે મોટા થયી ગ્યા એટલે બધું હવે જાતે લઇ આવો. તમને હવે પેલી સાન્તાની બેગ ની જરૂર નથી, પણ કદાચ એ સાન્તાને હજુ એમ લાગે કે એ કઈંક એવું એ લઇ આવે ને એમને તમારી આંખમાં એ જ ખુશી, એ જ ચમક જોવા મળે. અને એ જ વિચારી બહાર દુકાનમાંથી કઈંક નવું, કઈંક મજાનું લાગે તો લઇ આવે, જેમ પહેલા લાવતા હતા. હવે જો પાંચસો-હજાર વધારે ખર્ચી નાખે, પણ એની સામે જો એમને એનાથી સાન્તા બન્યાનો સંતોષ અને કાંઈક લાવ્યાની ખુશી થતી હોય તો એ સસ્તું જ કહેવાય, એમાંજ બધુંય વસૂલ.”
Leave a Reply